વાવડીના પાણી ભરવા ગ્યાં’તા
મુને કેર કાંટો વાગ્યો.
વડોદરાના વૈદડા તેડાવો,
મારા કાંટડિયા કઢાવો,
મુને પાટડિયા બંધાવો;
મુને કેર કાંટો વાગ્યો.
ધોરાજીના ઢોલિયા મંગાવો,
માંહિ પાથરણાં પથરાવો,
આડા પડદલા બંધાવો;
મુને કેર કાંટો વાગ્યો.
ઓશરિયેથી ખાંડણિયા રે કાઢો
મારા ધબકે ખંભા દુ:ખે;
મુને કેર કાંટો વગ્યો.
આંગણિયેથી ગાવલડીને કાઢો,
એના વલોણાંને સોતી;
મુને કેર કાંટો વાગ્યો.
સસરાજીને ચોવટ કરવા મેલો,
મુને ઘૂંઘટડા કઢાવો;
મુને કેર કાંટો વાગ્યો.
નણંદડીને સાસરિયે વળાવો,
એના છોરૂડાં ને સોતી,
મુને કેર કાંટો વાગ્યો.
ફળિયામાંથી પડોશણને કાઢો,
એના રેંટિયાને સોતી,
મુને કેર કાંટો વાગ્યો.