77 માલમ મોટાં હલેસાં તું માર


માલમ મોટાં હલેસાં તું માર,
મારે જાવું મધદરિયાની પાર

મેણું માર્યું છે મને ભાભલડીએ,
દે’ર આળહનો સરદાર;
ભાઈ કમાય ને ભાઈ ઘોડલાં ખેલવે,
એનો બળ્યો અવતાર રે…

જાવું છે મારે જાવા બંદરે જ્યાં
લખમીનો નહિ પાર
જાવે ગિયા કોઈ પાછા ન આવે,
આવે તો બેડલો પાર રે…

જાવું છે મારે સિંહલદ્વીપમાં
પરણવા પદમણી નાર;
મોતીડે પોંખે જો ભાભલડી મારી
તો તો જીવવામાં સાર રે…

કેસરભીના તમે જીવો ભાભલડી મારાં
જીવો જીભલડીની ધાર;
મેણા મારીને મારી મતિ સુધારી
ખોલ્યા તે મનના દ્વાર રે…


Leave a Reply

Your email address will not be published.